જાણીતા શિક્ષણવિદ, તકનીકી નિષ્ણાત હેમાંગ રાવલ લિખિત નવલકથા 'હરિતા'નો વિમોચન સમારોહ યોજવામાં આવ્યો.

• લેખક હેમાંગ રાવલ મંચ પર સ્થાન મેળવવા હકદાર હોવા છતાં મંચસ્થ મહાનુભાવો માટેના આદરભાવ કારણે શ્રોતાઓ સાથે સ્થાન ગ્રહણ કર્યું અને મહેમાનોને આવકાર્યા.
• રઘુવીર ચૌધરી, પ્રકાશ ન. શાહ, માધવ રામાનુજ, પ્રફુલ્લ રાવલ સહિત અગ્રણી સાહિત્યકારોએ હાજર રહી આશીર્વચન આપ્યા
અમદાવાદ
ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે રા.વી.પાઠક સભાગૃહ ખાતે જાણીતા શિક્ષણવિદ, તકનીકી નિષ્ણાત અને લેખક હેમાંગ રાવલ લિખિત નવલકથા 'હરિતા'નો વિમોચન સમારોહ તારીખ ૨૪ સપ્ટેમ્બરના રોજ સૂર્યજિત પબ્લિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા યોજવામાં આવ્યો.
આ પ્રસંગે સમારોહના અધ્યક્ષ સ્થાને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રઘુવીર ચૌધરી, મુખ્ય મહેમાન તરીકે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશ ન. શાહ, ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ માધવ રામાનુજ, ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ તથા "કુમાર"ના તંત્રી પ્રફુલ્લ રાવલ અતિથિ વિશેષ પદે તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી સમીર ભટ્ટ દ્વારા 'હરિતા' વિશે વાત કરવામાં આવી. લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકારો મનસુખભાઈ સલ્લા, મનીષ પાઠક, હરદ્વાર ગોસ્વામી, જયંત ડાંગોદરા, ચેતન શુક્લ, પ્રતાપસિંહ ડાભી, દિનકર જાની, ઉપસ્થિત રહ્યાં હતા.
જાણીતાં રાજનેતાઓ ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, ડો અમી યાજ્ઞિક, જીજ્ઞેશ મેવાણી, ઋત્વિક મકવાણા, યગ્નેશ દવે, મનીષ દોશી ઉપસ્થિત રહ્યા હતા. જાણીતાં પત્રકાર અને શિક્ષણવિદ્ હરિ દેસાઈ અને અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ, વીટીવી એડિટર હેમંત ગોલાણીએ પણ હાજર રહી ઉત્સાહ વધાર્યો હતો. બ્રહ્મ સમાજ, સંયુક્ત નૈતિક માનવાધિકાર સમિતિ, અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના હોદ્દેદારોઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
'હરિતા' વિશે લેખક હેમાંગ રાવલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, "કોરોના કાળમાં આપણે સૌ કંઇક ને કંઇક નવીન શીખ્યા, પોતાના શોખ, રસ શોધ્યા અને તેને વિકસાવ્યા. મેં પણ આમ જ મારો સુષુપ્ત લેખકનો જીવ જીવતો કર્યો અને કલમનો સાથ લીધો. આ જ કલમના સાથે મને મારી પ્રથમ નવલકથા 'હરિતા'ની મંઝિલ સુધી પહોંચાડ્યો. હરિતા આજના મોડર્ન સમયની વાત રજૂ કરે છે, સમાજની વાસ્તવિકતાની એક બાજુ બતાવે છે. મેં આ નવલકથામાં વ્યક્તિની જુદી જુદી લાગણીઓને સાંકળવાની કોશિશ કરી છે. આશા છે કે આપ સૌને પસંદ આવશે."
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરે જન્મેલ હેમાંગ મહિપતરામ રાવલ LLM, M.Sc.IT, MCAની પદવી ધરાવે છે. રાષ્ટ્ર નિર્માણમાં કરોડરજ્જુ ગણાતા શિક્ષણ, સામાજિક ક્ષેત્ર અને રાજકારણમાં પણ તેઓ લંબમજ્જાનું સ્થાન ધરાવે છે. આંગળીના ટેરવે દુનિયા સમાવતા ટેકનિકલ યુગમાં તેઓનો ટેક્નોક્રેટ તરીકેનો ૨૫ થી વધુ વર્ષનો અનુભવ છે. શિક્ષણજગતમાં અત્યાવશ્યક એવું કોમ્પ્યુટરનું જ્ઞાન તેઓ લાખો વિધાર્થીઓને વર્ષ ૧૯૯૩થી પીરસે છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંબંધિત ૨૦ કરતાં વધુ પુસ્તકો તેઓએ લખ્યાં છે. स्वस्मै स्वल्पं समाजाय सर्वस्वं ને સાથે રાખીને સમાજસેવામાં અવિરતપણે ફાળો આપવામાં અગ્રેસર રહી સમાજહિતના અસંખ્ય કાર્યો કરેલ છે. રાજકીય ક્ષેત્રે પ્રચાર-પ્રસાર માધ્યમો થકી જનતાની વેદનાને વાચા આપવામાં પહેલી હરોળમાં તેમનું સ્થાન કોઈ ડગમગાવી શકે તેમ નથી. હાલમાં તેઓ અમદાવાદની અગ્રગણ્ય કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશનના સંચાલક છે, સાથે જ શિક્ષણક્ષેત્રે નામાંકિત સ્થાન ધરાવતી ૨૦થી વધુ સંસ્થા સાથે જોડાયેલ છે. ગુજરાતી સાહિત્ય પરિષદના સતત બે ટર્મથી ચૂંટાયેલા મધ્યસ્થ સમિતિ અને કારોબારી સદસ્ય તરીકે હાલમાં જેઓ કાર્યરત છે.
કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાતી સાહિત્ય પરિષદના કોષાધ્યક્ષ રાજેન્દ્ર ઉપાધ્યાય દ્વારા તથા આભાર દર્શન કુ. હાર્દિ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
What's Your Reaction?






