યુથ કોંગ્રેસ સરકારને સદ્બુદ્ધિ માટે હવન કર્યું,પોલીસે હવનકુંડ સાથે કાર્યકરોની અટકાયત કરી

Sep 16, 2023 - 14:45
Sep 16, 2023 - 14:47
 0  23
યુથ કોંગ્રેસ સરકારને સદ્બુદ્ધિ માટે હવન કર્યું,પોલીસે હવનકુંડ સાથે કાર્યકરોની અટકાયત કરી

ગુજરાતમાં જ્ઞાનસહાયક યોજનાનો સરકાર અમલ કરાવવા જઈ રહી છે ત્યારે આ યોજનાનો ઉમેદવારો અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.આ યોજનામાં કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવશે ત્યારે કોંગ્રેસ દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગણી કરી છે.જેને લઈને આજે યુથ કોંગ્રેસે સરકારને સદબુદ્ધિ મળે તે માટે હવન કર્યો હતો.જો કે પોલીસે હવનકુંડ સાથે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.

અમદાવાદ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વિશાલસિંહ ગુર્જર અને ગુજરાત મહામંત્રી ગૌરાંગ મકવાણા સહિત યુથ કોંગ્રેસના કાર્યકરોએ મોટી સંખ્યામાં ખોખરા સર્કલ પાસે આવેલ હનુમાનજીના મંદિર બહાર જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કર્યો હતો.જ્ઞાન સહાયક યોજનામાં કાયમી ભરતી કરવામાં આવે તે માટે યુથ કોંગ્રેસ દ્વારા હવન કર્યો હતો.મંદિર બહાર હવન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની હવનકુંડ સાથે પોલીસે અટકાયત કરી હતી.તમામ કાર્યકરોની અટકાયત કરીને ખોખરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

યુથ કોંગ્રેસના મહામંત્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગેરબંધારણીય રીતે જ્ઞાન સહાયક યોજના શરૂ કરવામાં આવી છે જેમાં શિક્ષકોની કરાર આધારિત ભરતી કરવામાં આવશે જે અયોગ્ય છે જેથી સરકારને સદબુધ્ધિ મળે તે માટે અમે હનુમાનજીના મંદિર પાસે હવન કર્યો હતો.અમે હનુમાનજીને પ્રાર્થના કરી છે કે સરકાર આ અંગે નિર્ણય બદલીને કાયમી ભરતી કરે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow