અમદાવાદમાં આંગડિયા પેઢીના મેનેજરની લૂંટ, લૂંટારુઓએ બંદૂકની અણીએ 46 લાખ 50 હજારની કરી લૂંટ

Jun 23, 2023 - 12:41
 0  8
અમદાવાદમાં આંગડિયા પેઢીના મેનેજરની લૂંટ, લૂંટારુઓએ બંદૂકની અણીએ 46 લાખ 50 હજારની કરી લૂંટ

અમદાવાદમાં દિવસેને દિવસે લૂંટની ઘટનાઓ સામાન્ય બની રહી છે, તેવી જ રીતે લૂંટારુઓ બેશરમ બની ગયા છે અને હથિયાર વગર લૂંટના બનાવોને અંજામ આપી રહ્યા છે. ત્યારે ગઈકાલે વધુ એક આગંડિયા પેઢીના મેનેજરની લૂંટની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ જેટલા લૂંટારુઓએ એક રાઉન્ડ ફાયરિંગ કરી બંદૂકની અણીએ અંદાજે રૂ.46 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આંગડિયા પેઢીના મેનેજર ફાયરિંગથી ખૂબ જ ડરી ગયા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પણ હોબાળો મચી ગયો હતો. લૂંટની ઘટના અંગે શહેરકોટડા પોલીસને જાણ કરતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આસપાસના ફ્લેટના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. લૂંટની ગંભીરતા જાણી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિષ્ણુ આગડિયા પેઢીના મેનેજર મહેન્દ્ર પ્રજાપતિ ગુરુવારે રાત્રે 9 વાગ્યે એક જગ્યાએથી પૈસાની ઉઘરાણી કરીને પૈસા ભરેલી થેલી લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારબાદ લૂંટારુઓએ ફરિયાદીની રેકી કરી હતી. ફરિયાદી બાપુનગર સ્થિત યોગેશ્વર સોસાયટી કાકડિયા હોસ્પિટલ પાસેના તેમના ફ્લેટના પાર્કિંગમાં હતા. દરમિયાન ત્રણ લૂંટારુઓ પાર્કિંગમાં ઘૂસી ગયા હતા અને બંદૂકની અણીએ પૈસા ભરેલી બેગ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ફરિયાદીનો પ્રતિકાર કરતાં લૂંટારાઓએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના કારણે ફરિયાદી ડરી ગયા હતા અને લૂંટારુઓ બેગ લઈને ભાગી ગયા હતા. ફાયરીંગ થતા લોકો દોડી આવ્યા હતા. લૂંટની ઘટના અંગે મહેન્દ્ર પ્રજાપતિએ શહેરકોટડા પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફરિયાદીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું અને ફ્લેટના સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી હતી.

ફાયરીંગની ઘટના સાથે લૂંટની ગંભીરતા જોતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. લૂંટની ઘટનાને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પણ સ્થાનિક પોલીસ સાથે તપાસમાં જોડાઈ છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદીની બેગમાં 46 લાખ 50 હજારની રકમ હતી. ફરિયાદીના ફ્લેટના પાર્કિંગમાં ફાયરિંગ સાથે લૂંટનો બનાવ બન્યો હતો. ફાયરિંગની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow