સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનારા બે આરોપી વિકાસ ગુપ્તા અને સાગર પાલને બંદૂક સપ્લાય કરનારા બે લોકોની પંજાબમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ એ જ વ્યક્તિ છે જેણે સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવા માટે બંને આરોપીઓને બંદૂક સપ્લાય કરી હતી. તેમની ધરપકડ કરવામાં આવી છે અને અભિનેતાના ઘરે ફાયરિંગ કેસમાં તેમની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી હવે ફાયરિંગ કેસની તપાસ કરી રહી છે. તેમજ આરોપી સાગર અને વિકાસની ન્યાયિક કસ્ટડી 29 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે કે સોનુ સુભાષ ચંદર અને અનુજ થાપન નામના બે લોકોએ શૂટર્સ સાગર પાલ અને વિકાસ ગુપ્તાને બંદૂક સપ્લાઈ કરી હતી. બંને બિશ્નોઈ ગેંગના સંપર્કમાં પણ હતા. સલમાન ખાનના ઘરે ગોળીબારનું સંપૂર્ણ પ્લાનિંગ હતું. તમને જણાવી દઈએ કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ અભિનેતાના ઘરે ફાયરિંગની જવાબદારી લેતા ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી.
તાજેતરમાં જ સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગના સમાચારે ખાન પરિવાર અને તેના ચાહકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. આ ઘટના બાદ પરિવારમાં એટલો ડર હતો કે સલીમ ખાને પોતાના બાળકોની સુરક્ષા માટે ઘર છોડીને અન્ય જગ્યાએ શિફ્ટ થવાનો નિર્ણય લીધો હતો. સલમાન ખાન પણ પોતાના પરિવારની સુરક્ષા માટે ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડવાનું વિચારી રહ્યો છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે અભિનેતા તેના પનવેલ ફાર્મ હાઉસમાં કાયમ માટે રહેવા જઈ રહ્યો છે. જો કે આ સમાચારને સમર્થન મળ્યું નથી.