વડોદરા કોર્પોરેશન દ્વારા કરાતી પ્રિ મોનસુન કામગીરીની પોલ પહેલા વરસાદમાં જ ખુલી ગઈ

May 31, 2023 - 12:48
 0  9
વડોદરા કોર્પોરેશન દ્વારા કરાતી પ્રિ મોનસુન કામગીરીની પોલ પહેલા વરસાદમાં જ ખુલી ગઈ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં વરસાદી ગટરો, વરસાદી કાંસ, તળાવો, મેન હોલ, કેચપીટ વગેરેની સફાઈ થઈ રહી છે. પ્રિમોન્સૂન સફાઈ કામગીરી સંદર્ભે કોર્પોરેશનમાં સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. કોર્પોરેશન દ્વારા 90% થી વધુ કામગીરી થઈ ગઈ હોવાની વાત કરવામાં આવી રહી છે. બીજી બાજુ શહેરના તમામ તળાવની સફાઈ પાંચ જૂન સુધીમાં પૂર્ણ કરવા, વરસાદી કાંસો પહોળી કરી અવરોધો હટાવી તેની સફાઈ કરવા, શહેરના પૂર્વ વિસ્તારમાં દર ચોમાસામાં હાઇવે તરફથી વધારાનું જે પાણી આવે છે અને જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે તે સમસ્યા ન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા પણ સૂચના અપાય છે. આ ઉપરાંત જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય છે, ત્યાં પાણીનો નિકાલ કરવા માટે પંપો મુકવા, કઈ કઈ જગ્યાએ પંપો મૂકવાના થશે તેની યાદી તૈયાર કરવી વગેરે આયોજનને ઓપ આપવામાં આવી રહ્યો છે. જે મકાન જર્જરીત હાલતમાં છે અને વરસાદ દરમિયાન તૂટી પડે તેવી હાલતમાં છે, આવા મકાનોને પણ નીચે ઉતારી લેવા નોટિસો આપવામાં આવી છે. બીજી બાજુ વિરોધ પક્ષ કોંગ્રેસનું કહેવું છે કે કોર્પોરેશન દર વર્ષે ચોમાસા પહેલા પ્રિમોનસુન કામગીરી અંગે મોટા દાવાઓ કરે છે, પરંતુ પહેલા વરસાદમાં જ પોલ ખુલી જાય છે.

વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વ નેતાના કહેવા મુજબ બે ચેમ્બર વચ્ચેની લાઈનમાં દોરડા ખેંચાવીને જો સફાઈ કરવામાં આવે તો એક એક ટ્રક જેટલો માલ નીકળે. આવી સફાઈ તો થઈ જ નથી. વરસાદી કાંસો તરફ જતી ગટર લાઈનોમાં બારેમાસ ગટરના પાણી વહેતા હોય છે. તે ક્યાં સાફ થાય છે ? વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ નવાપુરા સાઈબાબા મંદિર પાસેથી એસઆરપી ગેટ થઈ ત્યાંથી વિવિધ સોસાયટીમાંથી પસાર થતી લાઈન લાલબાગ તળાવ તરફ જાય છે, આ લાઈન વર્ષોથી સાફ થઈ નથી. માત્ર મેઇન રોડ ઉપર ચેમ્બરો ખોલીને ઉપર ઉપરથી કચરો અને માટી બહાર કાઢી નાખ્યા બાદ નીચે લાઈનમાં જે સ્લજ જામેલો હોય છે તે સાફ થતો જ નથી. પરિણામે ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન ગટર લાઈનો ચોક અપ થઈ જાય છે. દર વર્ષે પહેલા ચોમાસામાં શહેરમાં પાણી ભરાઈ જાય છે, એનું કારણ એ જ કે ઉપરવાસની સફાઈ થઈ હોય છે, પણ  કાંસ સુધી પાણી પહોંચી શકતા નથી કારણકે અંદરની જે લાઈનો ચોક થયેલી હોય છે તેની સફાઈ થઈ હોતી નથી.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow